dahod parivar samelan

તા. ૨૮/૯/૨૦૧૬, બુધવારના રોજ દાહોદ ભગિની સમાજ દ્વારા દાહોદ ખાતે ચાલતા તપોવન સંશોધન કેન્દ્રમાં ‘પરિવાર સંમેલન’નો કાર્યક્રમ યોજાઇ ગયો. દીપપ્રાગટ્ય બાદ દાહોદ ભગિની સમાજના પ્રમુખ શ્રી હેમાબહેન શેઠે એમની સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો. ‘તપોવન સંશોધન કેન્દ્રો’ના પ્રાંત સંયોજક શ્રી તર્પણાબહેન વ્યાસે ‘તપોવનની સંકલ્પના અને ઉત્તમ શિશુ નિર્માણમાં વાતાવરણની ભૂમિકા’ વિષય પર ઉદાહરણ સહિત સમજૂતી આપી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મહાનિયામકશ્રી દિવ્યાંશુભાઇ દવેએ ‘ઉત્તમ શિશુ નિર્માણ અને માતાપિતાની ભૂમિકા’ વિષય પર સરળ ભાષામાં ઉપયોગી અને અસરકારક વક્તવ્ય આપ્‍યું. તેઓએ જણાવ્યું કે માતાપિતા બનવું એ આધ્યાત્મિક જવાબદારી છે. બાળકનું પ્લાનીંગ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો, દંપતીધ્યાન, બાળકના જન્મ પછી લેવાની કાળજી, આહાર, રમકડાં વગેરે વિશે ઉદાહરણ સાથે ઊંડી સમજ આપી. તપોવન સંશોધન કેન્દ્રના લાભાર્થી શ્રી કીમીબહેને તપોવન સંશોધન કેન્દ્રની પ્રવૃત્તિઓની તેમની દીકરી પરની હકારાત્મક અસરો અંગેનો અનુભવ રજૂ કર્યો હતો. અંતમાં, શુભેચ્છક મંડળના સભ્યોએ તથા સગર્ભા બહેનોએ સાથે મળીને એક નાટક રજૂ કર્યુ, જેમાં તપોવન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ તથા તેનાથી થતા લાભ વિશે જણાવવામાં આવ્યું. કાર્યક્રમના સમાપન બાદ દાહોદ ભગિની સમાજના શુભેચ્છક મંડળના સભ્યો સાથે બેઠક કરવામાં આવી અને આગામી સમયમાં તપોવન સંશોધન કેન્દ્રના પ્રચાર-પ્રસાર માટે, સંખ્યા વધારવા માટે શું કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી.

All rights reserved. © 2016 cugujarat.ac.in • Privacy Policy
Visitors 005905
Page last updated on: 22-Dec-2015